પુણા પોલીસે કાચું કાપતા બે આરોપીના રિમાન્ડ ના મળ્યા: કોર્ટે જામીન પર છોડયા

રૂ. ૧.૧૧ કરોડની ચિટીંગના ગુનામાં પુણા પોલીસે બે આરોપીઓને રિમાન્ડ મેળવવા કોર્ટે સમક્ષ રજૂ કર્યા હતા. દરમિયાન આરોપીની ધરપકડ કરવા અંગે પોલીસ યોગ્ય કારણ રજૂ કરી શકી નહતી, ઉપરાંત તપાસ અધિકારી પણ ગેરહાજર હતા, જેની કોર્ટે ગંભીર નોંધ લીધી હતી. બીજી તરફ આરોપીઓના બચાવ પક્ષે પ્રોડક્શન પર વાંધો ઉઠાવવા સાથે જામીન અરજી કરતા કોર્ટે મંજૂર કરી બન્ને આરોપીઓને મુક્ત કર્યા હતા.પૂણાગામ વિક્રમનગર વિસ્તારમાં રહેતા રામપૂજન મહાદેવ વર્મા, સારોલી ખાતે આશિર્વાદ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી રૂદ્રપ્રિયમ ઈમ્પેક્ષ ફર્મમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. ફર્મની મુખ્ય ઓફિસ દિલ્હી ખાતે છે. ગત ડિસેમ્બર-૨૦૨૩માં મિલેનિયમ માર્કેટ તથા સચીન જીઆઈડીસીની બી.કે. સિલ્ક મિલ્સ એનએક્સ એલએલપીના ભાગીદાર પ્રવીણ દિનેશ ઠુમ્મર (આસ્થા રેસી., ઉત્રાણ) અને તેના સાથી મિતુલ ઇશ્વર બુધેલિયા (બી.કે. નગર, કતારગામ)એ રૂદ્રપ્રિયમ ઈમ્પેક્ષ પાસેથી રૂ. ૧.૩૬ કરોડનો ઝારખંડ સ્ટોનનો ઓર્ડર આપ્યો હતો. જે પૈકી રૂ. ૨૫ લાખની ચુકવણી બાદ બાકી રૂ. ૧.૧૧ કરોડની રકમ નહી ચૂકવતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સામે કે બંનેએ બોગસ જીએસટી નંબરના આધારે ખોટા બિલો બનાવી ફર્મ સાથે છેતરપિંડી કરી હતી. ઈકોસેલે ગુનો નોંધીને બંને આરોપીઓને પકડી પુણા પોલીસને સોંપ્યા હતા. પોલીસે બન્ને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી સાત દિવસના રિમાન્ડની ડિમાન્ડ કરી હતી.
દરમિયાન આરોપીઓના બચાવ પક્ષે એડવોકેટ જીગ્નેશ હિંગુ, વિવેક હિંગુ અને પ્રદીપ ડેરે રિમાન્ડ તો એક તરફ આરોપીઓના પ્રોડક્શન પર જ વાંધો ઉઠાવી દલીલ કરતા જણાવ્યું કે, છેતરપીડીના ગુનામાં ધરપકડ સાથે પોલીસે યોગ્ય કારણો રજૂ કરવાની ફરજ હોય છે, પરંતુ આ કેસમાં પોલીસે કોઈ કારણ રજૂ કર્યા નથી અને તપાસમાં ગંભીર બેદરકારી દાખવી છે. તપાસ અધિકારી પોતે પણ કોર્ટમાં હાજર ન હોવાથી યોગ્ય રજૂઆત થઈ શકી નહતી. આ બાબતે પોલીસની બેદરકારીની કોર્ટે ગંભીર નોંધ પણ લીધી હતી. બાદ બચાવ પક્ષે સુપ્રીમ કોર્ટના ચૂકાદાને ટાંકી પ્રવીણ ઠુમ્મર તથા મિતુલ બુધેલિયાની જામીનની માંગ કરી હતી. જે કોર્ટે મંજૂર કરી આરોપીઓને મુક્ત કરતા રિમાન્ડ મેળવવા આવેલી પોલીસને રિમાન્ડ ન મળતાં પોલીસે પરત ફરવાનો વારો આવ્યો હતો.

