આરોપીએ સમાધાન કરી રકમ ચૂકવી દેતા જામીન મુક્ત થયો

ચેક રિટર્નના ગુનામાં સજા પામેલો એક આરોપી લાંબા સમય બાદ પકડાયો, પરંતુ કોર્ટમાં ફરિયાદીને લેણીની રકમ ચૂકવીને સમાધાન થતા તેને વોરંટ રદ્દ કરી જામીન પર છોડવામાં આવ્યો હતો.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અડાજણ ખાતે રહેતા ડો. કેવલ સુતરિયા વિરુદ્ધ કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ થઈ હતી. ફરિયાદ મુજબ કેવલે કઠોર ગામમાં દિવ્યલોક રેસિડેન્સી નામના ભાગીદારી પ્રોજેક્ટનું આયોજન કર્યું હતું. જેમાં ફરિયાદી જયંતી બારૈયાએ પ્લોટ બુક કરાવી રૂપિયા ચૂકવ્યા હતા. બાદ પ્રોજેક્ટના આયોજનમાં ફેરફાર થતા પ્લોટનો સોદો રદ થયો હતો. જેથી કેવલે સમજૂતીથી ફરિયાદી જયંતીની રકમ સ્વીકારી ૧૧.૫૦ લાખના ચેક આપ્યા હતા. જે ચેક રિટર્ન થતા થયેલી ફરિયાદ અંતર્ગત કોર્ટે કેવલને ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો. બીજી તરફ મૂળ ફરિયાદી જયંતીભાઈએ ફરીવાર સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરીને સજા ઓછી હોવાની સાથે આરોપીને વધુ સજા થાય તે માટે દાદ માંગી હતી. ચાર વર્ષ બાદ પોલીસે રિવિઝનના કામે વોરંટ ઇશ્યૂ થતા કેવલને કોર્ટમાં રજૂ કર્યો હતો. આરોપીની સામે વોરંટના કામે તેને જેલમાં મોકલવાની રજૂઆત થઈ હતી. જ્યારે કેવલના બચાવપક્ષે એડવોકેટ રાજુ સોની દ્વારા રજૂઆત થઈ હતી. એડવોકેટ રાજુ સોની દ્વારા વોરંટ રદ કરવાની દાદ માંગવામાં આવી હતી. ફરિયાદીની જે લેણી રકમ છે તે પરત ચૂકવી દેવાઈ હતી. બાદ સેશન્સ કોર્ટે આ વોરંટ રદ્દ કરીને કેવલ સુતરિયાને જામીન મુક્ત કરતો હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.

