Voice of Surat

વસિયતનામા વિવાદમાં દીકરીને રેવન્યુ તબક્કે રાહત, વિલ આધારિત નામ ફેરફાર અરજી ફગાવાઈ

Posted On: |2 min read
Voice of Surat News

સુરત શહેરના ઉન વિસ્તારમાં આવેલ બ્લોક નંબર : ૧૨૫ ની જમીન અંગે ચાલી રહેલા વસિયતનામા વિવાદમાં ડેપ્યુટી કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, સુરત દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય અપાતા અરજદાર અબુબકર અબ્દુલકાદર નવાબની નામ ફેરફારની અરજી નામંજૂર કરવામાં આવી છે અને એવો હુકમ કરવામાં આવ્યો છે કે આ મુદ્દે સિવિલ કોર્ટનો અંતિમ ચુકાદો તમામ પક્ષકારોને બંધનકારક રહેશે તેવું કોર્ટે સ્પષ્ટ પણેહુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જમીનમાં અન્ય સહમાલિકો સાથે ૧/૫ હિસ્સેદાર રહેલા મરહૂમ મોહમ્મદ સિદ્દીક હાજી બિલાલનું વર્ષ ૨૦૨૩ માં અવસાન થયું હતું. તેમના અવસાનના માત્ર ૨૦ દિવસ અગાઉ તેમની સગી બહેનના દીકરા અને ભાણેજ અબુબકર અબ્દુલકાદર નવાબ દ્વારા નોટરીયલ વસિયતનામું કરાવી મરહૂમનો સમગ્ર ૧/૫ હિસ્સો પોતાના નામે કરાવી લઈ તેના આધારે રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરવા અરજી કરાઈ હતી. આ બાબતની જાણ થતાં મરહૂમના વારસદારો પૈકી યાસ્મીનબાનુ દ્વારા તેમના વકીલશ્રી મો.અમીન એ. મેમણ મારફતે ઉધના મામલતદાર કચેરીમાં નામ ફેરફાર સામે વાંધા નોંધાવવામાં આવ્યા હતા તેમજ સુરત સિવિલ કોર્ટમાં વસિયતનામું બોગસ, બનાવટી તથા ફોર્જર્ડ હોવાનું જણાવી તેને રદ-બાદલ કરવા અને વહેંચણ માટેનો સિવિલ દાવો દાખલ કરવામાં આવ્યો હતો. રેવન્યુ સુનાવણી દરમિયાન યાસ્મીનબાનુ તરફેથી તેમના વકીલશ્રી મો.અમીન એ. મેમણ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે મુસ્લિમ કાયદા મુજબ કોઈપણ વ્યક્તિ પોતાની મિલકતના એક તૃતીયાંશથી વધુ હિસ્સાનો વસિયતનામું કરી શકતી નથી અને વારસદારોની સંમતિ વિના એવું વસિયતનામું કાયદેસર માન્ય ગણાતું નથી. બન્ને પક્ષોની દલીલો તથા રેકર્ડ પરની હકીકતોનું મુલ્યાંકન કર્યા બાદ ડેપ્યુટી કલેક્ટર તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, સુરત દ્વારા અબુબકર અબ્દુલકાદર નવાબની નામ ફેરફારની અરજી ફગાવી દેવામાં આવી છે અને હાલ રેવન્યુ રેકર્ડમાં સ્થિતિ યથાવત રાખવાનો હુકમ કર્યો છે. સમગ્ર વિવાદનો અંતિમ નિર્ણય હવે સિવિલ કોર્ટના ચુકાદા પર આધારિત રહેશે. યાસ્મીનબાનુ તરફેથી સમગ્ર મામલામાં વકીલ મો.અમીન એ. મેમણ દ્વારા અસરકારક કાનુની રજુઆત કરવામાં આવી હતી.